About

આત્મીય સ્વજન શ્રી…..

શિક્ષણ શાસ્ત્રી યશ્પાલજીના “ભાર વિનાનું ભણતર” સાથે એક નવું વિચારબીજ લઈને – પ્રદૂષણ મુક્ત શાળા અમે રચી છે. આ નવું વિચારબીજ એટલે- “ભાર વિનાના ભણતર” સાથે “બાળપણ સાચવતું ભણતર”.

બાળકની કલ્પનાની શાળા, બાળકની કલ્પનાઓને ઉજાગર કરવા મથતું શિક્ષણ, દીવાલો વગરની શાળાનું સવપ્ન, મુક્ત આકાશ નીચે હસતાં-રમતાં વાતો કરતા અપાતું શિક્ષણ, બાળકોને સમજાય તેવી ભાષા, બાળકોને સંજય તેવા સાધનોથી અપાતું શિક્ષણ, પુસ્તકથી ઠલવાતું જ્ઞાન નહિ પરંતુ વાત-વાતમાં સહજ રીતે અપાતું શિક્ષણ, બાળકોને એમના કલ્પનાલોકમાં વિહરતા રાખી અપાતું શિક્ષણ,કંઈક આવી વિચારધારા ને કેન્દ્રમાં રાખી શાળાને ધબકતી કરવાનો અમારો પ્રયાસ છે.

પ્રદૂષણ મુક્ત શાળાનું વાતાવરણ ઉપરાંત અહીં વર્ગખંડનું બંધિયાર વાતાવરણ નથી, પુસ્તકોનો ભાર નથી, દફતરની કડાકૂટ નથી. સ્વચ્છ નિર્મળ પર્યાવરણની વચ્ચે પ્રકૃતિના સાન્નિધ્યે પ્રાચીન ગુરુકુળના પરિવેષમાં જ બાળક પોતાના બાળપણના આનંદ સાથે સહજ રીત ચેતાવીસ્તર સાધે એ અમારી કલ્પનાની શિક્ષણ વ્યવસ્થા છે અને ઈ માટે અમે કલ્પનાશીલ શિક્ષણ પ્રવૃત્તિઓ પ્રયોજી છે.

શાળાનું ભવ્ય મકાન અમારું સ્વપ્ન નથી. પોપટની જેમ રટરટ કરતાં યાંત્રિક બાળકો અમારું સ્વપ્ન નથી. પરીક્ષા-ડરથી આત્મહત્યા કરવા પ્રેરાતા ડરપોક વિદ્યાર્થી અમારે ઘડવા નથી. બોર્ડના દસમાં સ્થાન મેળવી જિંદગીમાં પાછો પડતો વિદ્યાર્થી અમારું ધ્યેય નથી. આ શાળામાં પ્રવેશ મેળવવા કતારો લાગે તેવી અમારી ઝંખના નથી. અમારે “સ્વનિર્ભર” માનવી શાળામાંથી ઊભો કરવો છે. ગમે તેવા સંકટો સાથે પાર પાડે તેવો વિદ્યાર્થી ઘડવો છે. પોતાની કલ્પનાનું જીવન ઘડી શકે તેવો પુરુષાર્થી અમારે ઊભો કરવો છે માત્ર વિદ્યા સંપન્ન નહીં-ચારિત્ર્ય સંપન્ન નાગરિક સમાજ અમારે રચવો છે. અમારા પુરુષાર્થયજ્ઞમાં આપનો સહયોગ મળશે એવી શ્રદ્ધા જાગે છે અને આપ અમારી વિચારધારાને વેગ આપશો તેવો દૃઢ વિશ્વાસ છે. અમારા પુરુષાર્થયજ્ઞમાં યત્કિંચિત્ આહુતિની અપેક્ષા અને આભાર સાથે.

  • શ્રી નાલંદા ગુરુકુળ વિદ્યાલય પરિવાર